અજમેર તા. 24 ( જીલાની પઠાણ દ્વારા )
ઇડર મોટા કસ્બા મુસ્લિમ જમાત દ્વારા અજમેર ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈડર કસ્બા જમાત દ્વારા સૌપ્રથમ વાર ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ખૂબ જ પ્રતિસાદ સાંપડ્યો હતો. માત્ર ગણતરીના કલાકોમાં જ બે લક્ઝરીના પ્રવાસીઓ બુક થઇ ગયા હતા. આ કારણોસર સંચાલકોએ એક તબક્કે લોકોનેના પાડવી હતી. શનિવારે મોડી સાંજે અજમેર સાંજે પાંચ વાગે દિલ્હી ગેટ એક અનોખો નજારો જોવા મળ્યો હતો કેમ કે, ઇડરના તમામ મુસ્લિમ બિરાદરોને માથા પર ગુલાબી રંગના સાફા પહેરાવી દસ્તાર બંધી કરાવાઈ હતી. ત્યાર બાદ બેન્ડની સુરાવલી વચ્ચે આખોય કાફલો દરગાહ તરફ રવાના થયો હતો. કલાત્મક ચાદર સાથે આ કાફલો શહેરના મુખ્ય માર્ગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો કેમ કે, યા મોઇન, હક મોઇનના નારા એ અજમેરના વાતાવરણમાં એક અનેરો માહોલ સર્જી દીધો હતો અને નારાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
એટલું જ નહીં પણ, બેન્ડની કવ્વાલીએ જાણે માહોલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા કારણ કે મુસ્લિમ બિરાદરો સુરાવલી પર ઝૂમી રહ્યા હતા. તમામ લોકોમાં એક ધાર્મિક લાગણી સાથે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.આ દ્રશ્યોને મુખ્ય બજારમાં દેશભરમાંથી આવેલા તમામ જાયરીનના મોબાઈલ ફોનમાં કંડારી રહ્યા હતા. માથા પર સુગંધીત ફૂલોની ટોકરીઓ અને કલાત્મક ચાદર સાથે આંખોએ કાફલો દરગાહ શરીફના પ્રાંગણમાં આવી પહોંચ્યો હતો.
જ્યાં દરગાહ શરીફના ખાદીમે તમામ ઈડર મુસ્લિમ બિરાદરની ઉપસ્થિતિમાં ગુજરાત સહીત દેશમાં શાંતિ,સદભાવના, ભાઈચારાનો માહોલ બની રહે, દેશની ઉન્નતિ, વિકાસ થાય તેની દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લા અલ્યહેના દરબાર માં ફૂલો સાથે ચાદર ચડાવવામાં આવી હતી. ઇડર મોટા કસ્બા જમાત તરફથી આયોજીત ટુરનું સફળ સંચાલન પ્રમુખ હાજી હારૂન પઠાણ,આસિફ બેલીમ(ઊપ પ્રમુખ), ફરહાન પઠાણ,જફર બેલીમ,સંજય પઠાણ,સરફરાઝ નાગોરી,અમઝદ પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું.