ત્રણ દિવસની 'અમદાવાદ પોલો ટુર્નામેન્ટ' શુક્રવારે ભવ્ય ઉદ્ધાટન સમારોહ સાથે શરૂ થઈ હતી. ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત, આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ, સ્કેલ અને પ્રેઝન્ટેશનની રીતે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી પોલો ઇવેન્ટ છે. 2 થી 4 જાન્યુઆરી દરમિયાન યોજનારી આ ઇવેન્ટ દર્શકોને એક નવીન અને રોમાંચક અનુભવ આપશે.
શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં એક વિશાળ ડાન્સ ગ્રુપે જબરજસ્ત પર્ફોર્મન્સ આપ્યું હતું અને ત્યારબાદ પ્રખ્યાત એક્રોબેટિક ડાન્સ ક્રૂ વી અનબીટેબલે પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અને ટીમના માલિકો દ્વારા ટુર્નામેન્ટ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું, જેણે ઔપચારિક રીતે સ્પર્ધાની શરૂઆત કરી હતી.
અમદાવાદમાં પોલો માટે ઓપનિંગ ઈવનિંગ સ્કેલ અને પ્રોડક્શન ખરેખર અભૂતપૂર્વ હતું, જેમાં દર્શકોની હાજરી અને ઉત્સાહથી ભરપૂર રિસ્પોન્સ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે, પ્રથમ મેચમાં જિંદાલ પેન્થર્સનો મુકાબલો મેફેર પોલો સાથે થયો હતો, ત્યારબાદ NAV યુનિકોર્નનો મુકાબલો પુણે વોરિયર્સ સાથે થયો હતો, જ્યારે ત્રીજી મેચમાં KP કિંગ્સનો મુકાબલો અદાણી આર્ચર્સ સાથે થયો હતો. આ મેચો દરમિયાન ઘોડેસવાર રમતોના પ્રદર્શનોએ પરંપરાગત રમતગમતના માહોલમાં વધારો કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "આ ટુર્નામેન્ટ, ગુજરાતમાં પોલોના મંત્રમુગ્ધ કરી દેનારા અનુભવને પ્રથમ વખત લઈને આવી છે. શરૂઆતના દિવસનો પ્રતિસાદ અત્યંત પ્રોત્સાહક રહ્યો છે અને એણે અમારા એ વિશ્વાસને મજબૂત બનાવ્યો છે કે, અમદાવાદ શહેર, પોલોને એક મુખ્ય રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે અપનાવવા માટે તૈયાર છે."
ગુજરાત પોલો ક્લબના પ્રમોટર સંજય પાલડિયાએ જણાવ્યું હતું કે, "આજે અમે જે જોયું અને અનુભવ કર્યું, તે ગુજરાતમાં પોલો માટે અભૂતપૂર્વ છે. અમારું ફોકસ એક વલ્ડ-ક્લાસ ટુર્નામેન્ટ રજૂ કરવા પર છે, જે રમતના વારસાનું સન્માન કરવાની સાથે પ્રેક્ષકોને પસંદ પડે એવા સ્તરે પ્રસ્તુત કરવામાં આવી રહી છે. અમદાવાદની સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ, તેને આ પહેલ માટે એક આદર્શ સ્થળ બનાવે છે." આ ટુર્નામેન્ટમાં 30 થી વધુ પોલો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 25 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લીધો છે. શરૂઆતના દિવસની રમતના ધોરણે સમગ્ર ટુર્નામેન્ટ માટે અત્યંત સ્પર્ધાત્મક રમતનો માહોલ સેટ કર્યો હતો.
મેચ ઉપરાંત, આ ઈવેન્ટને દર્શકો માટે એક સંપૂર્ણ મનોરંજક અનુભવ આપવાની રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં હેરિટેજ ઇન્સ્ટોલેશન, અશ્વ પ્રદર્શનો, ફેમિલી-ફ્રેન્ડલી ઝોન અને સમગ્ર સ્થળ પર લાઇવ મનોરંજનનો સમાવેશ થાય છે. આગામી બે દિવસ સુધી, મ્યુઝિકલ પર્ફોર્મન્સ ચાલુ રહેશે તેમજ ભવ્ય આતશબાજી, લેસર ડિસ્પ્લે અને પુરસ્કાર વિતરણ સમારોહ સાથે ટુર્નામેન્ટનું સમાપન થશે. અમદાવાદ પોલો ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય, ગુજરાતમાં 'ધ કિંગ ઓફ ગેમ્સ'ને પુનર્જીવિત કરવાનો તેમજ વારસા, સંસ્કૃતિ અને રમતગમતને એકસાથે સાંકળતી વાર્ષિક રમતગમત પરંપરા સ્થાપિત કરવાનો છે.
