હઝરત ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓએ સત્યના કાજે કરબલાના મેદાનમાં શહીદી વ્હોરી હતી અને તેમની આ શહાદતની યાદમાં દેશ અને દુનિયામાં મુસ્લિમ બિરાદરો મોહરમ પર્વ મનાવે છે. કોરોનાની મહામારીને લીધે સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં આ વર્ષે મોહરમના દિવસે જુલુસ નહિ કાઢવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાની ત્રીજી સંભવિત લહેરની શક્યતાને જોતા ઇડર શહેર કસ્બા માટે આ નિર્ણય લીધો છે. ઇડર શહેર કસ્બા જમાતના નવનિયુક્ત પ્રમુખ હાજી હારુનખાન પઠાણે જણાવ્યું છે કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા મોહરમના દિવસે પરંપરાગત જુલૂસ કાઢવામાં નહીં આવે પણ કતલની રાત અને મહોરમના દિવસે તમામ ધાર્મિક વિધિ યથાવત રહેશે. મુસ્લિમ બિરાદરો દર્શન પણ કરી શકશે.
મોહરમના દિવસે સાંજે તાજીયાને ટ્રકમાં સુરપુર લઈ જવાશે. સુરપુર ખાતે તાજીયા ઠંડા કરવાની ધાર્મિક વિધિ કરવામાં આવશે.નોંધનીય છે કે ઇડર તાલુકામાં ઇડર શહેરમાં વર્ષોથી મહોરમની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે. ઘણા વર્ષો પછી એવી ઘટના બનશે કે ઇડર શહેરમાંનું જુલુસ નહીં નીકળે. કોરોનાના કારણે આ વર્ષે ઇડર શહેરમાં રથયાત્રા પણ નિયત સંખ્યા સાથે નીકળી હતી. ઇડર કસ્બા જ માટે મોહરમ અંગે લીધેલા આ નિર્ણયને વધાવવામાં આવ્યો છે.
