ધોળાવીરા ખાતે સરકાર હસ્તકની 'તોરણ હોટલ' ને ૫ વર્ષથી બંધ હાલતમાં, પ્રવાસીઓની કફોડી દશા.

   કચ્છ જિલ્લાનાં ઘોળાવીરાને UNESCO ની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળવુ એ માત્ર ગુજરાત માટે જ નહીં સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તકના પુરાતત્વ વિભાગ કે રાજ્ય સરકાર હસ્તકના પ્રવાસન વિભાગ દ્વારા ૫ હજાર વર્ષ પ્રાચીન હડપ્પા સંસ્કૃતિની ધરોહરને સાચવીને બેઠેલ ધોળાવીરાને ન ધણીયાતુ હોય તેમ રઝળતુ મુકી દેવયેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ધોળાવીરા ખાતે આવેલ રાજ્ય સરકાર હસ્તકની 'તોરણ હોટલ' ને છેલ્લા ૫ વર્ષથી તાળા મારીને ખાનગી રિસોર્ટ/હોટલ માલીકોને પ્રવાસીઓને લૂંટવાનો ખુલ્લો પરવાનો આપી દેવાયો છે. પ્રવાસીઓ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો માટે પણ આ ખાનાગી રિસોર્ટ માલીકોના હવાલે છે, જે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. 

    પ્રવાસીઓ વાહનમાં પેટ્રોલ/ડીઝલ ભરાવવુ હોય તો પેટ્રોલ પંપ ધોળાવીરાથી ૬૦ કિમી દુર આવેલ છે. વાહનોમાં યાંત્રીક ખામી સર્જાય તો પણ પ્રવાસીઓ રઝળી પડે તેવી કરુંણ સ્થિતી છે. પ્રવાસીને નાણાંની જરૂર પડે તો બેંક કે એટીએમ માટે પણ રાપર એટલે કે ૧૦૦ કિમી દુર જવુ પડે. રાજ્ય સરકારનું વાર્ષિક પ્રવાસન બજેટ ₹૪૮૮ કરોડ હોવા છતાં ધોળાવીરા જેવી વૈશ્વિક ધરોહરની આસપાસ પ્રવાસીઓ માટે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ના કરાવી શક્યા હોય તો પછી પ્રવાસન બજેટ વપરાય ક્યાં છે? મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને પ્રવાસનધામ તરીકે વિકસાવવુ હશે તો આ પ્રકારની લાલીયાવાડીમાંથી બહાર આવવુ પડશે. ધોળાવીરા જેવી વૈશ્વિક ધરોહરને નિહાળવા વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે જરૂરી છે. જે માટે પ્રવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળે તે જરૂરી છે. રાજ્ય સરકારે આ દિશામાં તત્કાલ પગલા ઉઠાવવા જોઈએ.

Previous Post Next Post