ઇડર, ( ફારુક પઠાણ )
અમે ઈડરિયો ગઢ જીત્યા રે આ પંક્તિ ઐતિહાસીક ઇડર શહેરની ઓળખ સાબિત કરે છે. અરવલ્લી પર્વતમાળાની તળેટીમાં વસેલું ઈડર શહેરમાં કસ્બા વિસ્તારમાં આવેલી વર્ષો પુરાણી ઐતિહાસિક જુમ્મા મસ્જિદનું નવ નિર્માણ કરાયું છે. ૨૦૦ વર્ષથી પણ વધુ પૌરાણિક મસ્જિદનું સ્થાપત્ય કલા અને ઇતિહાસના વારસાને યાદ અપાવે તેવી હતી. લઘુમતીઓની વધતી જતી વસ્તીને પગલે એક વિશાળ ઈબાદત ખાનાની જરૂરિયાત ઊભી થઈ હતી અને પરિણામે ઇડર મુસ્લિમ સમાજના આગેવાનોએ નવીન મસ્જિદ બનાવવાનું અભિયાન હાથ ધર્યું હતું.જો કે, લાખો કરોડોનો ખર્ચ હોવા છતાં પણ મુસ્લિમ આગેવાનો એ બીડું ઝડપ્યું હતું અને ખરેખર તેમની મહેનત રંગ લાવી હતી. કદાચ સાબરકાંઠા જિલ્લામાં ઇડરની જુમ્મા મસ્જિદ એક બેનમૂન અને આબેહૂબ ઈબાદત ગાહનું પ્રતિક બન્યું છે.
જુમ્મા મસ્જિદમાં પ્રવેશ પ્રવેશતા જ વિશાળ સંગેમરમરનો પ્રવેશ દ્વાર અને રંગબેરંગી લાઈટો, કલાત્મક અરબી શબ્દોની કોતરણ પહેલી નજરે જ આંખમાં વસી જાય તેમ છે. લીલી નારીયેળી સાથે મસ્જિદની બહારનું દ્રશ્ય મનોહર લાગે છે. ઇડરની ઐતિહાસિક જુમ્મા મસ્જિદનું મૉડર્ન લુક જોવાલાયક છે. ટૂંકમાં કહીએ તો, એક નાનકડા ખોબા જેવા વિસ્તાર કસ્બા વિસ્તારના આગેવાનોની મહેનતને ખરેખર સલામ કરવા જેવી છે.



