દલિત મુસ્લીમ ભાઈ ભાઈ, ઇડર શહેરમાં કોમી એકતાની મશાલ ઝળહળી.

   બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં જય ભીમ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાને લીધે છેલ્લા ત્રણ વર્ષથી ડૉ.આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી. પણ આ વર્ષે ઉત્સાહભેર માહોલ વચ્ચે જન્મ જયંતિની ઉજવવામાં આવી હતી. ઇડર શહેરમાં જાણે એક અનેરો અને આનંદ ભર્યો ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. 

  ગુરુવારે બપોરે આ વિશાળ અને ભવ્ય શોભા યાત્રા ઇડર શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. ડીજેના તાલ અને બાબા સાહેબ અમર રહોના નારા વચ્ચે રેલી નીકળી હતી ત્યારે ટાવર પાસે ઈડર કસ્બા મુસ્લિમ મોટી જમાતના પ્રમુખ હાજી મોહમ્મદ હારુન પઠાણે દલિત સમાજના આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ ઉપરાત ઉપપ્રમુખ આસીફ બેલીમ, પઠાણ માજીદ (સંજય), રાસીક નાયક, સરફરાઝ નાગોરી તથા અન્ય કારોબારી સભ્યોએ પુષ્ગુચ્છથી સૌને આવકાર આપ્યો હતો. 

   ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસ્લિમ બિરાદરો એ સરબત, પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કે.વાય.સી કમિટીના પ્રમુખ અસપાન પઠાણ અને તેમની ટીમ તરફથી શોભા યાત્રામાં બોલ પેનનું ય વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લે, ત્રણ રસ્તા પાસે બાબા સાહેબની પ્રતિમાને ઇડર મોટા કસ્બા જમાતના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પી હતી. આમ, પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એક્તાની મશાલને પ્રજ્વલિત કરી હતી. એક બાજુ, દલિત સમાજમાં મુઠ્ઠી ઊંચેરા માનવી ડો.બાબા સાહેબના માનવતા ભર્યા વિચારો સાથે ઉજવણીનો ભાવ હતો તો બીજી તરફ, મુસ્લિમ બિરાદરોમાં દલિત ભાઈ બહેનોની ઉજવણીમાં સહભાગી થઈ ભાઈચારો પ્રસ્થાપિત કરવાની ભાવના હતી. આ દ્રશ્યએ ઇડર શહેરમાં કોમી એક્તાની કડીને વધુ મજબૂત બનાવી હતી.

 વાંચો: માનવતા મહેકી ઊઠી, મુસ્લિમ યુવકો હિન્દુ બાળ દર્દીની વ્હારે આવ્યા.

  એક તરફ, ગુજરાતમાં કોમી છમકલા થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ, ઇડર શહેરમાં કોમી એક્તાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વખતે જય ભીમ યુવા સંગઠન દ્વારા મોડી રાત્રે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી ત્યારે આકાશ જાણે વિવિધ રંગો થી રંગાયું હતું. આ ઉપરાંત ડાયરો યોજાયો હતો જેમાં પણ ગીત અને ભજનોની રંગત જામી હતી. આ કાર્યક્રમ માં બધાય સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માં કોર્પોરેટર વિનોદ પરમાર સહિતના દલિત આગેવાનોએ જહેમત ઊઠાવી હતી.

   આ પ્રસંગે ઇડર શહેરમાં પી.આઈ ઓ.કે. જાડેજાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેવી કાબિલેદાદ કામગીરી નિભાવી હતી.આ જોઈને એક શાયરની પંક્તિ યાદ આવે છેકે, કુછ લોગ બદલ જાતે હે, હાલત કે ડર સે, ઓર કુછ લોગ બદલ દેતે હે હાલત, અપને કરીને સે..

વાંચો: જો તમારી ઉંમર 18 વર્ષની થઈ છે,  વોટર આઈડી કાર્ડ નથી બનાવ્યું તો તમે પણ ઘરે બેઠા આટલું કરો... 

Previous Post Next Post