હઝરત ઈમામ હુસૈન (ર. અ) અને તેમના ૭૨ જાનીશાર સાથીઓએ સત્ય કાજે કરબલાના મેદાનમાં શહાદત વહોરી હતી જેની યાદમાં મોહરમ પર્વ મનાવાય છે. જોકે આ વર્ષે ઇડર શહેરમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેરને પગલે મોહરમ જુલુસ મોકૂફ રખાયું હતું. ઇડર શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઇડર કસ્બા જમાતના નવનિયુક્ત પ્રમુખ હાજી હારુનખાન પઠાણ અને અન્ય કારોબારીના સભ્યોએ આખા પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી થાય એ માટે અથાગ મહેનત કરી હતી. સૌથી મહત્વપૂર્ણ વાત એ હતી કે આ વર્ષે જે રીતે મોહરમ પર્વની ઉજવણી થઈ ત્યારે લાગ્યું કે, મહોરમની સાચા અર્થમાં ઉજવણી થઈ છે તેનું કારણ એ હતું કે કતલની રાત્રે ઢોલ-ત્રાંસાની ગુંજ પણ વાગી ન હતી. સાથે સાથે પરંપરાગત રીતે રમાતા છબ્બા થી પણ મુસ્લિમ યુવાનો દૂર રહ્યા હતા. હુસેની ચોકમાં ભીડ એકત્ર ન થાય અને લોકો માસ્ક પહેરે તે માટે તાજિયા કમિટીના સ્વયંસેવકો દ્વારા સતત માર્ગદર્શન અપાયું હતું.
કતલની રાત્રે લોકોએ ખુબ જ શાંતિ પૂર્વક રીતે મીઠાઈ ,સુકામેવા, નાળિયેર અને ગોળથી મન્નતો પૂર્ણ કરી હતી. મહોરમના દિવસે સુરપુરથી આવતા મોમીન બિરાદરોની આ વખતે ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી કેમ કે આ વર્ષે કોરોનાના કારણે માતમ અને કસિદા પઢવામાં આવ્યા ન હતા પરિણામે ગત વર્ષ કરતા આ વર્ષે હુસેની ચોકનું વાતાવરણ થોડુક સૂમસામ બન્યું હતું. શુક્રવારે બપોરે જુમ્માની નમાજ બાદ સાત ફેરા પૂર્ણ થયા પછી તરત જ ધાર્મિક પરંપરા મુજબ તાજીયાને ઠંડા કરાયાં હતા. મોડી સાંજે હુસેની ચોકમાં સામૂહિક ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇડર કસ્બા જમાતના સભ્યોએ ઇડર ડીવાયએસપી શ્રી ચૌહાણ સાહેબ, પીઆઇ શ્રી રાઠવા અને મામલતદાર શ્રી એચ.વી. કોદરવીએ આપેલા સાથ સહકાર બદલ આભાર માન્યો હતો. સમગ્ર મોહરમ પર્વને સફળ બનાવવામાં પ્રમુખ હાજી હારુનખાન પઠાણ, મોહરમ કમિટીના ચેરમેન સૈયદ સઈદઅલી, આસિફ ખાન લતીફખાન બેલીમ, ફરહાન પઠાણ સહિતના યુવાઓએ ભૂમિકા ભજવી હતી. મુસ્લિમ બિરાદરો પણ યુવા કમિટિને ખૂબ જ સહકાર આપ્યો હતો.

