લૂંટો રે ભાઈ લૂંટો, ઇડરમાં રેતી માફિયા બેફામ, સાયકલ પર ફરનારા કાર, બંગલાના માલિક બન્યા.

 ઇડરના પહાડો પર ખાણ માફિયાઓની નજર મંડાઇ છે એટલે જ આજે ઈડરયો ગઢ ઈતિહાસના પાનામાં સમાઈ જવાની તૈયારીમાં છે. ઇડર વાસીઓ છેલ્લા કેટલાય સમયથી ગઢ બચાવો આંદોલન કરી રહ્યા છે પણ ભ્રષ્ટ અધિકારીઓની સાઠગાંઠને કારણે કોઈ સાંભળનાર નથી. આજ રીતે હવે ઇડરમાં રેતી માફિયાઓ પણ છાકટા બન્યાં છે. ઇડર શહેરની આસપાસ ની નદીઓ પર રેતી માફિયાઓ ડોળો મંડાયો છે. ખાણ ખનીજ વિભાગ ભલે ડિંગો મારતું હોય કે કડક કાર્યવાહી થઈ રહી છે પણ હકીકત એ છે કે ઈડર ગઢની આસપાસના વિસ્તારોમાં રેતી માફિયાઓ બેફામ રીતે રેતી ચોરી કરી અને ધૂમ કમાણી કરી રહ્યા છે.
ઈડર ગઢની પાછળ ગંભીરપુરા, રાજચંદ્ર વિહાર, બડોલી અને વડીયાવિરની નદીમાં રેતીની બેફામ ચોરી થઈ રહી છે. કેટલાક તત્વો ધોળા દિવસે ટ્રેક્ટરમાં રેતી ભરી ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે પણ કોઈ જોનાર નથી.  રોયલ્ટી પાસ વિના રેતીના ટ્રેક્ટરો ની અવર-જવર થઇ રહી છે. કેટલાક દલાલો રેતી માફિયાઓ પાસેથી હપ્તા લઈ આ દૂષણને વકરાવી રહ્યા છે. રોજના ૧૦૦ થી વધારે ટેકટર ઈડરની આસપાસના વિસ્તારોમાં બેફામ રીતે રેતી ચોરી કરી રહ્યા છે. નદીઓમાંથી રેતી ચોરી કરી એક ટ્રેક્ટર રેતી રૂપિયા ત્રણથી ચાર હજાર રૂપિયામાં વેચી રોજ હજારો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે. રૂ. ૧૦૦૦ લેખે રોજના ૧૦ ટ્રેક્ટર રેતી ગેરકાયદે રીતે જોવામાં આવે તો રોજની દસ હજાર રૂપિયાની આવક થાય. આ જોતાં રેતી માફિયાઓની મહિને રોજની ત્રણ ચાર લાખ રૂપિયાની આવક હોવાનું જાણવા મળ્યું છે. લાખોની આવક હોઇ ગાંધીનગર સુધી હપ્તા પહોંચવા હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે.

ઇડર શહેરમાં જે સાઇકલ લઇને ફરતા હતા તે ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી આજે કારમાં ફરી રહ્યા છે. રેતી ચોરીની કાળી કમાણી કરનારા આજે ઇડર શહેરમાં લાખો ના બંગલા ધરાવે છે. સરકારની આંખમાં ધૂળ નાંખી ગેરકાયદેસર રેતી કારોબાર ધમધમી રહ્યો છે. લાખોની કમાણી હોઇ કેટલાય લોકોએ હવે રેતીના ધંધામાં ઝુકાવ્યું છે. ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના પાપે સરકારની તિજોરીને રોયલ્ટીની આવકનું મોટું નુકસાન થઈ રહ્યું છે. ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે અને સરકારી તિજોરીને આડકતરી રીતે ખાલી કરી રહ્યા છે. જો ગાંધીનગરથી ફ્લાયિંગ સકવોર્ડ આવી તપાસ કરે તો ઇડર તાલુકામાં રેતી ચોરીનું મસમોટુ કૌભાંડ બહાર આવી શકે છે. એટલું જ નહીં કેટલા એ ભ્રષ્ટ અધિકારીઓના પગ તળે રેલો આવે તેવી શક્યતાઓ છે. સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ આ મામલે ફોટા અને માહિતી સાથે પુરાવા રજૂ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

વાંચો: ખાણ માફીયાઓનું આવી બન્યું, રેતી પથ્થર લઈ જતા ટ્રક ઉપર આ સિસ્ટમથી રખાશે નજર.

 
Previous Post Next Post