વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પેટ્રોલ-ડીઝલ બચાવવાની અને વિદેશ પ્રવાસો ટાળવાની 'સ્વદેશી' અપીલ કરે, ત્યારે સામાન્ય જનતાથી માંડીને મંત્રીઓ પણ અમલ કરે છે. મુખ્યમંત્રીથી માંડીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વીઆઈપી કાફલા ટૂંકાવીને કે વિદેશ પ્રવાસ મોકૂફ રાખીને આ અપીલનું અક્ષરશઃ પાલન કરી રહ્યા છે. પરંતુ અમદાવાદના પાલડી વોર્ડના ભાજપના કોર્પોરેટર, કર્ણાવતી ક્લબના ડિરેક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલ માટે કદાચ પક્ષની શિસ્ત કરતાં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ વધુ મહત્વ નો છે.
સરકારે જ્યારે વિદેશ જવાને બદલે ઓનલાઈન વેબિનારથી કામ ચલાવવાની સ્પષ્ટ ભલામણ કરી છે, ત્યારે જૈનિક વકીલ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ખેડી આવ્યા છે. પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે કોર્પોરેટરને વિદેશ પ્રવાસમાં વધુ રસ જાગ્યો છે, જેને પગલે હવે ભાજપના આંતરિક વર્તુળોમાં ગણગણાટ શરૂ થયા છે.
રાજકીય ગલીયારાઓમાં ચર્ચાતી વિગતો મુજબ, કોર્પોરેટરની આ 'વિદેશી ઉડાન' પાછળ તેમની ભારોભાર નારાજગી છુપાયેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવું મોટું પદ ન મળતા તેઓ પક્ષથી રૂઠ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ નારાજગીના કારણે જ તેમણે પક્ષની ગાઈડલાઈનને ઘોળીને પી જવાનું સાહસ કર્યું છે. પક્ષમાં એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે, સામાન્ય કાર્યકરોને શિસ્તના પાઠ ભણાવતા ભાજપમાં એક કોર્પોરેટર વડાપ્રધાનની અપીલને સરેઆમ ફગાવી દે, તેની પાછળ રાજકીય પીઠબળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.