કોરોનામાં 2 લાખ લોકોના મોત થયા, છતાં રૂપાણી સરકાર લાજવાને બદલે ગાજી રહી છે.

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ જન ચેતના અભિયાનના ભાગરૂપે ‘‘સંવેદનહીન સરકાર - આરોગ્ય બચાવો’’ ના સુત્ર સાથે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના દરમ્યાન ૨ લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થયા. જાન્યુઆરી ૨૦૨૦માં WHO દ્વારા કોરોના મહામારી અંગે આગોતરી ચેતવણી આપવામાં આવી હતી. સરકારે પૂર્વ તૈયારીઓ કરવાની હતી તેના બદલે સરકાર ‘‘નમસ્તે ટ્રમ્પ’’ કાર્યક્રમ કરવામાં વ્યસ્ત રહી. હોસ્પિટલ, વેન્ટીલેટર, બેડ, ઈન્જેક્શન તેમજ સ્ટાફની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવી અને એના કારણે કોરોના મહામારીમાં ગુજરાત જેવા સમૃધ્ધ રાજ્યમાં એક-એક ગુજરાતીને બેડ લેવા માટે દર-દર ભટકવુ પડ્યું. લોકોને મદદ કરવાની હતી, ત્યારે તૈયારીઓ કરવાની હતી ત્યારે થાળી વગાડો, પુષ્પવર્ષા કરો, દિવા પ્રગટાવો, એવા નાટકો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો. આ સરકારની આવી અસંવેદનશીલતાને કારણે, આ સરકારની નિષ્ફળતાને કારણે, બે લાખ કરતા વધારે લોકોના મોત થયા ત્યારે આ મોત ઉપર કુશાસન, નિષ્ફળતા ઉપર શરમ કરવાને બદલે રૂપાણી સરકાર પ્રજાના ટેક્ષના પૈસે ઉજવણી કરી રહી છે 



વલસાડમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મહામારીમાં તદ્દન બેજવાબદાર અને અણઘડ સરકારી તંત્રને કારણે એમ્બ્યુલન્સની લાંબી કતારો, હોસ્પિટલમાં ખાટલા માટે તડપતા દર્દીઓ, ઓક્સીજન ના અભાવે અકાળે મૃત્યુ પામતા સ્વજનો, રેમડેસીવીરની અછત દ્વારા રૂ. ૧૦૦૦ ના ઈન્જેક્શનના દસ થી ત્રીસ હજારમાં કાળા બજાર, નકલી વેન્ટીલેટર (ધમણ) દ્વારા અનેક દર્દીના અપમૃત્યુ, સરકારી હોસ્પિટલમાં નધરોળ તંત્રને કારણે અનેક દર્દીઓને મોંઘાદાટ ટેસ્ટથી શરૂ કરી લાખો રૂપિયા ખર્ચ કરી પ્રાઈવેટ માં લુંટાવાનું ષડયંત્ર, સ્મશાનોમાં પણ ‘‘ટોકન’’ લઈને અંતિમ સંસ્કારની લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવુ પડે. ગુજરાતમાં કોરોનાથી અસંખ્ય લોકોના અવસાન થયા છતાં આ ‘‘સંવેદનહીન’’ સરકાર જુઠ્ઠાણા ચલાવી આંકડાઓ છુપાવતી રહી. ૨૫ વર્ષના કુશાશનમાં આરોગ્ય સેવાઓનું વ્યાપારીકરણ, તબીબો - સ્ટાફનો અભાવ, ચોથા વર્ગના કર્મચારીઓનું શોષણ, હજારો ખાલી સરકારી જગ્યાઓ છતાં સરકાર પ્રજાના પૈસે ઉજવણીના તાયફા કરી રહી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાઓ ખુલીને બહાર આવી ગઈ હતી. રાજ્યમાં કોરોના દર્દીઓને હોસ્પિટલ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવર ઈન્જેક્સન ના અભાવે અનેક લોકો તરફડીને મોતને ભેટ્યા છે, સુવિધાઓની વાત તો દુર રહી લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા માટે દિવસો સુધી ધક્કા ખાવા પડ્યા હતા.
Previous Post Next Post