વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર દ્વારા “વેજલપુર હિડન હીરોઝ” કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ માટે નિઃસ્વાર્થ સેવા, બહાદુરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર 40 ફાયર ફાઇટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તમામ અગ્નિશામક જવાનોને એપ્રિસિએશન સર્ટિફિકેટ, ગિફ્ટ હેમ્પર, શાલ અને મોમેન્ટો અર્પણ કરીને તેમની બહાદુરીને બિરદાવવામાં આવી હતી.આ કાર્યક્રમ ખાસ કરીને તાજેતરમાં શ્યામલ ચાર રસ્તા નજીક સાંગ્રીલા આર્કેડ ખાતે લાગેલી ભયાવહ આગ દરમિયાન પોતાના જાનની પરવા કર્યા વિના અનેક નાગરિકોના જીવ બચાવી આગ પર કાબૂ મેળવનાર અગ્નિશામક જવાનો અને સેવાભાવી હીરોને સમર્પિત હતો.
આગની ભયાનક પરિસ્થિતિ વચ્ચે જીવના જોખમે કરાયેલી બચાવ કામગીરીએ સમગ્ર શહેરને ગર્વની લાગણી અનુભવાવી હતી.કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાનના અનુભવો, પડકારો અને માનવજીવન બચાવવાની ક્ષણોની ભાવુક રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ ફાયર ફાઇટર્સના સમર્પણ અને સાહસને ઊભા રહી તાળીઓથી વધાવી લીધા હતા.કાર્યક્રમનો મુખ્ય હેતુ અગ્નિકાંડ દરમિયાન બહાદુરી અને માનવતાનું અસાધારણ ઉદાહરણ પૂરું પાડનાર ફાયર ફાઇટર્સને સન્માનિત કરવાનો હતો. સાથે જ સમાજમાં સેવાભાવ, હિંમત અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તેમજ યુવાનોમાં જવાબદારી અને સમાજસેવાનો સંદેશ પહોંચાડવાનો પણ આ પ્રયાસ હતો.
આ પ્રસંગે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે જણાવ્યું હતું કે,*“સમાજમાં એવા અનેક હીરો છે, જે કોઈ પ્રસિદ્ધિ કે અપેક્ષા વગર માત્ર માનવતાના હેતુથી સેવા આપે છે. આગ જેવી ભયાનક પરિસ્થિતિમાં પોતાના પરિવારની ચિંતા છોડીને અજાણ્યા લોકોના જીવ બચાવવા દોડી જનાર ફાયર ફાઇટર્સ ખરેખર આપણા સમાજના સાચા હીરો છે. આવા બહાદુર જવાનોને સન્માન આપવું માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ તેમની હિંમત, ત્યાગ અને માનવસેવાને દિલથી સલામ કરવાનો એક નમ્ર પ્રયાસ છે.
સન્માન એ સમાજની ફરજ છે અને એવો સમાજ કે જે એકબીજાની ચિંતા કરે છે, સહાય માટે હંમેશા આગળ આવે છે, એવા સંવેદનશીલ સમાજનું નિર્માણ આપણે સૌએ મળીને કરવું જોઈએ. ‘વેજલપુર હિડન હીરોઝ’ એ સમાજને એ સંદેશ આપે છે કે સાચી હીરો ગીરી પ્રસિદ્ધિમાં નહીં, પરંતુ નિઃસ્વાર્થ સેવાભાવમાં વસે છે.વેજલપુર હિડન હીરોઝ” કાર્યક્રમે ઉપસ્થિત સૌના મનમાં ફાયર ફાઇટર્સ પ્રત્યે ગૌરવ અને કૃતજ્ઞતાની ભાવના જગાવી હતી અને માનવતા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર અજાણ્યા હીરોને સમાજના કેન્દ્રસ્થાને લાવવાનો અર્થપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો.
