સેન્ટ્રલી AC ડોમમાં સમૂહ લગ્ન યોજાયા, દીકરીઓને ૧ લાખના બોન્ડની ભેટ.

   અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા. સમૂહ લગ્નમાં ઠાકોર સમાજના ૫૧ નવ યુગલ પ્રભુતામાં પગલાં માંડી સુખી લગ્ન જીવનની શરૂઆત કરી હતી. સમૂહલગ્નોત્સવનું જે.કે.ગૃપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીને લીધે સેન્ટ્રલી એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો, સંસદસભ્યો સહિત સમાજના આગેવાનો અને સંતો મહંતો હાજરી આપવાના હોવાથી ખાસ પ્રકાસની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

વાંચો: નવાજૂનીના એંધાણ: ભાગવત કથામાં સી.આર પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર.

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવયુગલોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન એક હકારાત્મક સામાજિક અભિયાન છે. આવા આયોજનને પગલે સમાજ વ્યવસ્થાને એક નવી દિશા મળશે જ પરંતુ સાથે સાથે બિનજરૂરી થતા ખર્ચાઓ પણ અટકાવી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી સરકાર દરેક સમાજને સાથે રાખી આગળ વધી રહી છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી દરેક સમાજ વિકાસના મુખ્ય પ્રવાહથી આવરી લેવાય તે સરકારની નેમ છે. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામ દંપતિઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલા શરૂ થયેલી સમૂહ લગ્નોત્સવની આ પ્રથામાં આજે દરેક સમાજ આ દિશામાં આગળ વધી રહ્યો છે તે આનંદની વાત છે. સમૂહ લગ્નોત્સવનું આયોજન અમદાવાદ જિલ્લા પંચાયત, શાસક પક્ષના નેતા જનક ઠાકોર અને સિંગરવાના સરપંચ કુંજન સિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. 

     લગ્નના તાંતણે બાંધતી દીકરીઓ માટે ઓડી, BMW સહિતની લેટેસ્ટ મોડલની ગાડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રભુતામાં પગલાં માંડનાર આશરે ૨૫ દીકરીઓ એવી છે જેના માતા-પિતા હયાત નથી. ભવિષ્યની ચિંતા કરી ઠાકોર સમાજ દ્વારા તમામ દીકરીઓને ૧ લાખ રૂપિયાના બોન્ડ આપવાના અનુકરણીય પહેલ પણ કરવામાં આવી હતી. પ્રત્યેક નવયુગલોને ચાંદીની પાયલ, ફ્રીઝ, ઘરઘંટી, તિજોરી, પેટી પલંગ જેવી ઘરવખરીની ૧૨૭ ભેટ આપવામાં આવી હતી. બીજી તરફ સમાજમાંથી કુરિવાજોને તિલાંજલિ મળે અને જાગૃકતા આવે તે માટે દરેક મંડપે વર-વધૂના નામ-ફોટો સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અંગેના અલગ અલગ સંદેશા લગાવવામાં આવ્યા હતા.આશરે ૫૦ હજારથી વધુ લોકોની હાજરીમાં આ અવસર યોજાયો.

Previous Post Next Post